शनिवार, 21 मार्च 2020

Corona -19

શું ઉનાળામાં વાયરસ ખતમ થઈ જશે ? આ વાયરસ કેટલો સમય બીજી કોઈ સપાટી પર રહી શકે ?
****

કોરોના વાઇરસ અંગે હજી દુનિયાના વૈજ્ઞાનિકો જુદા જુદા અંદાજ લગાવી રહ્યા છે, પ્રયોગો દ્વારા આ વાયરસ અંગેની સમજ કેળવાઈ રહી છે.  અત્યારે સોશ્યલ મીડિયામાં એક વાત એવી ફરી રહી છે કે તડકો આવશે અને ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે ચિંતા કરવાની જરૂર નથી કે પછી અમુક લોકો કલાકોની ગણતરી દ્વારા કોરોનાને કેવી રીતે હરાવી શકાય એવી વાતો પણ મૂકી રહયા છે.  એ વાત સાચી કે વાયરસ અને ગરમીને ખાસ બનતું નથી, ઊંચા તાપમાન પર વાઇરસ નાશ જ પામે પણ આ વાઇરસ કેટલા તાપમાન પર ટકી શકે છે તે અંગે પણ ચોક્કસ જાણકારી મળી નથી.


મૂળે વાત કરું તો આ વાયરસ કોરોના ફેમિલીનો વાયરસ છે , આ પરિવારના 6 સભ્યોથી આપણે અત્યાર સુધી પરિચિત હતા અને આ 7માં સદસ્ય સાથે હમણાં ડિસેમ્બર 2019માં રૂબરૂ થયા. આના પરિવારના MERS અને SARS ને આપણે અનુક્રમે 2012 અને 2002માં મળી ચૂક્યા છીએ. સાર્સનો ચેપ 8000 જેટલા લોકોને લાગ્યો હતો અને 10 ટકા જેટલા મૃત્યુ પામ્યો હતો. નવેમ્બર 2002ની આસપાસ શરૂ થયેલો સાર્સ જૂન 2003 સુધી ચાલ્યો હતો.  આ નવો કોરોના વાયરસ અને જૂનો સાર્સ ઘણીખરી-લગભગ 70 થી 90 ટકા જેટલી જેનેટિક સમાનતા ધરાવે છે. MERS નો ચેપ 2012મ ફેલાવાનો શરૂ થયો ઇનો ફેલાવાનો દર  ધીમો છે- ડિસેમ્બર 2019 સુધી 2468 જેટલાં કેસ નોંધાયા છે. આ વાયરસમાં મૃત્યુ દર 34 ટકાની આસપાસ છે.  આની પહેલા આપણે બર્ડ ફ્લૂ અને સ્વાઇન ફ્લૂ એવું બધુ સાંભળેલું, આ બધા ઇન્ફ્લુએઝ વાયરસ કહેવાય અને આ વાયરસની ફેમિલી પર આપણે સારું એવું રિસર્ચ કરેલું છે,કોરોના ને આપણે હજી વ્યવસ્થિત રીતે સમજી રહયા છીએ.

એવું કહેવાય છે કે ગરમી આવશે તો   આ વાયરસ જતો રહેશે અને આપણે ચિંતા કરવાની જરૂર નથી –પણ જો આ વાયરસના પિતરાઇ ભાઈ એવા સાર્સની વાત કરીએ તો એણે ઉનાળામાં પણ પોતાનું કૌવત બતાવેલું છે  આ કોરોના વિષે કહીએ તો એ ઈટાલીમાં બી ફેલાયો છે જ્યાં અત્યારે તાપમાન 10-15 degree છે અને ઓસ્ટ્રેલિયામાં પણ ફેલાયો છે જ્યાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. ટોમ હેંક્સને ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટ ફિલ્મના શુર્ટિંગ વખતે જ આ ચેપ લાગ્યો હતો.  સામાન્ય રીતે આપણને શરદી –ઉધરસ કરતાં ફ્લૂના વાયરસ ઠંડીની સીઝનમાં વધુ જોવા મળે- ઠંડુ અને સૂકું વાતાવરણ વધુ અનુકૂળ આવે- પેલા RNAને વીંટાળયેલું પ્રોટીનનું પડ એવા વાતાવરણમાં તૂટે નહીં અને ફ્લૂના વાયરસને આરામથી ઘૂસ મારવા મળે. પણ ગરમી વધે એમ આ વાયરસ નબળો પડે – એટ્લે જ તો એને સિઝનલ ફ્લૂ પણ કહેવાય છે. એ ઋતુના ટાઈમ ટેબલને અનુસરે છે પણ આ કોરોના કોઈ ચોક્કસ ઋતુને અનુસરતો હોય એમ લાગતું નથી અને એટ્લે જ ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધમાં પ્રસરી રહ્યો છે.  એટ્લે કદાચ શક્ય છે કે ગરમીના કારણે એ થોડો નબળો પડે પણ સાવ જતો રહેશે એવું માનવા માટે હજી આપણી પાસે પૂરતા પુરાવા નથી. બીજું પેલા ધાબા પર તડકામાં ઊભા રહેવાના મેસેજ ફરે છે -  ઈચ્છા હોય તો શોખથી ઊભું રહેવાય, ચામડી બળશે બીજું કઈ નઇ પણ એનાથી વાયરસ મરી જશે એ વાતમાં કોઈ દમ નથી. શરીરનું સરેરાશ તાપમાન જ 37 ડિગ્રીની આસપાસ હોય છે- અને આ તાપમાનને બહારના કોઈ પણ તાપમાન સાથે લેવા દેવા નથી – એટ્લે શરીરમાં ઘૂસી ગયેલા વાઇરસને બહાર સહારાનું રણ હોય કે એન્ટાર્કટીકા   એનાથી કોઈ મતલબ નથી રહેતો .ધાબા પર જઈ શકાય પણ વાયરસ મરી જશે એવી  માન્યતા સાથે નહીં.


બીજું , સપાટી પર આ વાઇરસ કેટલો સમય રહી શકે એ બાબતે પણ મત-મતાંતર છે પણ તેમ છતાં ફેબ્રુઆરી 2020માં જર્નલ ઓફ હોસ્પિટલ ઇન્ફેકશનમાં પ્રકાશિત એક રિવ્યુમાં સંશોધકોએ કોરોના વાયરસ પરિવારની કોઈ પણ સપાટી પર રહેવાની આદતોની ઉપલબ્ધ વૈજ્ઞાનિક માહિતી ભેગી કરીને  એક સંશોધન રજૂ કર્યું હતું ત્યાર પછી 17 માર્ચે ધ ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં આ નવા વાયરસ સંદર્ભે જ અભ્યાસ થયો છે. આ અભ્યાસ મુજબ આ વાઇરસ હવામાં 3 કલાક સુધી રહી શકે છે, તાંબાની સપાટી પર 4 કલાક, પુંઠા પર 24 કલાક સુધી , પ્લાસ્ટિક અને સ્ટીલ પર 72 કલાક સુધી રહી શકે છે. એના પિતરાઇ ભાઈ જેવા સાર્સ અને મર્સ જેવા વાઇરસ 9 દિવસ સુધી એ પ્લાસ્ટિક સ્ટીલ કે કાચની સપાટી પર ટકયા હોવાના દાખલાઓ પણ છે. (ફ્લૂના વાયરસ 48 કલાક સુધી રહી શકે ) હા સંશોધકો એમ બી નોંધે છે કે સપાટીનું તાપમાન 30 ડિગ્રીની આસપાસ હોય તો એને ફાંફા પડે છે. હવે આ સપાટીને કેટલું અને ક્યાં સુધી અડવાથી કેટલા વાયરસ કુદકા મારીને હાથે ચોંટે એ આપણને હજી ખબર નથી પણ આપણે આપણી આસપાસની જગ્યા ચોખી રાખી શકીએ જ. એટલે આપણી આસપાસ ઘરમાં ઑફિસમાં ડિસઇનફેક્ટન્ટથી સફાઈ રાખવી જરૂરી છે.
હું આશા રાખું છુ કે લેટેસ્ટ રિસર્ચના અભ્યાસ પરથી ઉપરની પોસ્ટ તૈયાર કરી છે –સપાટી અને તાપમાન અંગે આ જાણકારી પબ્લિક ડોમેઈનમાં છે - વૈજ્ઞાનિકો પણ તેને સમજવા કોશિશ કરી રહયા છે.  વોટ્સ એપ પર કોઈએ તુક્કા મારીને બનાવેલા ફાલતુ મેસેજ ને વિજ્ઞાન ના સમજો.  સંયમ અને સમજદારીથી કામ લો.   એક માણસની ભૂલ આખા સમાજે ભોગવવી પડે તેવું વર્તન ના કરો. 

2 टिप्‍पणियां:

Featured Post

कैप्सुला मुंडी

  इटली का अनोखा प्रोजेक्ट: 'कैप्सुला मुंडी' – मौत का नया हरा-भरा अंदाज़ क्या आप सोच सकते हैं कि मौत के बाद भी इंसान का हिस्सा प्रकृत...